October 08, 2009

દશા

તમને સ્પર્શે કે ના સ્પર્શે, જેવી છે એવી કવિતા મારી છે,
શું ફરક પડવાનો કોઇ ને, લાગણી તો અંતે મારી છે.

વિચારી, મમળાવી ને તમે તો આખરે છુટી જવાના,
પણ ઝંઝાવાત માં અટવાવાની દશા તો અંતે મારી છે.

- સુગંધ.

September 27, 2009

કાગળ ને કલમ

જો તને સાંભળવું ગમે છે તો મને બોલવુ ગમે છે,
સંભારતા એ વાત હવે તો હ્રદય પણ બોલી ઉઠે છે,

યાદ અસહ્ય બનતા રસ્તો લીધો મે કવિતા ને ગઝલનો,
તને યાદ કરી ને હવે તો આંખો પણ ચુઇ પડે છે,

શબ્દો ને ઉતારવા જતા કાગળ પર અટકી જાય છે હાથ,
મન ને પણ હવે તો શુન્યમનસ્ક થઇ જવુ ગમે છે,

ફુટે છે શબ્દોની સરવાણી મનમાં પણ વહેતી નથી બહાર,
શબ્દો પણ હવે તો અંદર ને અંદર ગુગળાઇ મરે છે,

આમ જોઇ મારી નિ:સહાયતા અને અસમર્થતા,
કાગળ ને કલમ પણ હવે તો રોઇ પડે છે.


- સુગંધ.

June 27, 2009

હાઇકુ

પકડવા હું
મથું મારી યાદોને,
જાય સરકી !!


- સુગંધ.

June 01, 2009

હું તારામય થઇ જતો જ્યારે

બગીચામાં આંબાની ડાળ પર કોયલ ટહુકતી જ્યારે,
બે ધબકાર સિવાયના અવાજની જાણ થતી મને ત્યારે,

ભીડાયેલા આંગળીઓના અંકોડા છુટા પડતા જ્યારે,
ચાર હાથના અસ્તિત્વની જાણ થતી મને ત્યારે,

પવનની લહેર આંખો બંધ કરાવી દેતી જ્યારે,
પાંપણનું અસ્તિત્વ મહેસુસ થતું મને ત્યારે,

તારા શ્વાસોચ્છવાસ ને મહેસુસ કરતો હું જ્યારે,
તારી પાછળ રહેલી દુનિયાનું ભાન થતું મને ત્યારે,

હું તારામય થઇ જતો જયારે, મારી 'વ્હાલી',
હું, 'હું' મટીને 'સુગંધ' બની જતો હતો ત્યારે.


- સુગંધ.

May 27, 2009

હાઇકુ

મિથ્યા જગત,
વ્યથા ને મુંઝવણ,
બાળ લાચાર !!

- સુગંધ.

May 14, 2009

હાઇકુ

પ્રણય કર્યો
શું હતું અનુચિત ?
હું અજાણ્યો ?

અથવા

પ્રણય કર્યો
કોણ નથી ઉચિત ?
હું અજાણ્યો ?

- સુગંધ.

April 21, 2009

પરબ

અતુટ બંધને બંધાયેલા આપણે,
કરતા હતા પ્રેમ હું ને તું,

પરબ ઉભરાતી હતી ને,
તરસ્યાને મળતુ ઉલેચવા,

સરોવરમાંથી બની નદીને,
માર્ગ થયા બન્ને કાંઠે,

જોઇ તને વર્ષો પછી,
થયો ગુણાકાર ખાલીપાનો,

થયું કે, ઉભરાય છે આ પરબ તો હજુ પણ,
પરંતુ તરસ છીપાવ્યા વિના વહી જાય છે.

- સુગંધ.

March 23, 2009

કશ્મકશ

વિચાર-વાક્યોની આંધી ઉમડવા છતાં
શબ્દો ના મળે એવી પરિસ્થિતિ છે,

ધસમસતી ગાંડીતુર ઉર્મિઓની
આડે બાંધેલો સંયમરુપી બંધ છે,

તોફાને ચડેલા સાગરમાં મધદરીયે
આગળ વધતા ખલાસીની મનોદશા છે,

કિનારે હવાના ઝોકાં સામે ઝીંક ઝીલતા
પત્તા ના મહેલની જેમ તૂટી પડવાની અણી ઉપર છે,

સ્વયંને સમજાવતા રહીને સમાજમાં
ખુશી વિના મલકતા રહેવાની 'સુગંધ'ને આ સજા છે.

- સુગંધ.