December 25, 2011

Realization

તમે ક્યારેક તો આવશો એ વિચારે,
માંડી મીટ તમારા પસાર થવાના માર્ગ માં,

દરરોજ જોયા વિદાય લેતા સુર્યાસ્ત,
નવી સવાર ની શરૂઆત થવાની રાહ માં,

હૃદયે બતાવ્યો અરીસો ખોલી એના દરવાજા,
મળતા મળ્યા તમે એકદમ મારી પાસ માં,

પડી ખબર તમે તો છો માત્ર મૃગજળ,
છબી સમા અંકિત છો હૃદય માં,

માંડી મીટ હવે ભવિષ્યના વિચારે નવા રસ્તે,
મલક્યો 'સુગંધ',  સૂર્યોદય નું કિરણ આંજી આંખ માં.


 બહુ વિચાર્યું પરંતુ ગુજરાતી મથાળું આપવામાં મન ના માન્યું કેમેય કરીને, એટલે આખરે અંગ્રેજી માં લખ્યું. શબ્દો તો ઘણા મળ્યા પણ પછી થયું કે ગુજરાતી કવિતા ને અંગ્રેજી મથાળું, ચાલો કંઈક નવું લાગશે.


- સુગંધ. (૨૫ ડીસેમ્બર,  ૨૦૧૧)

June 23, 2011

હાઇકુ


સાવજ પણ,
થઇ ને વનરાજ,
સાવ જ સુનો !
"सो सुनार की, एक लोहार की" ની જેમ હાઇકુ ના ૧૭ અક્ષર પણ એવી ચોટદાર રજૂઆત કરવાની શક્તિ હોય છે. અને સરસ વાત એવી છે કે હાઇકુ લખવાની બહુ મજા આવે અને એને મમળાવાની તો ઓર મજા આવે.
- સુગંધ. (૨૫ મે, ૨૦૧૧)

May 15, 2011

અંત:કરણ

ભટક્યું  મન વન માં, વગડા માં,
અફાટ સમુદ્ર ને ખુલ્લા એવા આકાશમાં;

શોધ ખોળ ચાલુ હતી કશાક ની,
આ જ ધરા પર  કોઈક ખૂણા માં;

શોધી ખુશી અને શોધ્યો સંતોષ,
ફરી વળ્યો મારા  આખા ગામ માં;

મહાયાત્રા પૂરી કરી, ફર્યો પાછો,
મારી પોતાની પાસે, મારા એકાંત માં;

લેખાજોખા લીધા, ઉલટ તપાસ થઇ,
મારી જાત ની, મારા હૃદય માં;

મળી મને, મહામુલી એ વસ્તુ,
પોતાના શરીર રૂપી એવા આ ખોળિયા માં !


Paulo Coelho ની નવલકથા The Alchemist જો વાંચી હોય તો આ વાત જલ્દી સમજાઈ જશે કે હું શું કહેવા માંગું છું. ના વાચી હોય તો પણ કોઈ વાંધો નથી, સમજવા જેવી અને સરળ રીતે સમજાય તેવી આ બહુ સરસ વાત છે.

- સુગંધ. (૧૪ મે, ૨૦૧૧)

May 12, 2011

ખુલાસો

શાળા ભણતી વખતે ઘણી વાર એવું થતું કે જોઈએ એ ગીતો ના પુરા બોલ, શબ્દો મળતા નહિ અને એ વખતે ઈન્ટર નેટ પણ બહુ પ્રચલિત નહોતું.

પછી એક દિવસ, જયારે હું મોટો થઇ ગયેલો, મારી પાસે લેપટોપ હતું, ઈન્ટર નેટ હતું, ત્યારે ચોક્કસ કહું તો, ૯ ડીસેમ્બર, ૨૦૦૬ ના દિવસે અચાનક ઈચ્છા થઇ કે મને ગમતી બધી ગઝલ, કવિતા, હાઇકુ એકઠા કરું અને મારો બ્લોગ બનાવી ને મુકું. ત્યારે બ્લોગ જગત પણ ધીમે ધીમે જાણીતું થતું જતું હતું, એટલીસ્ટ મારા માટે તો ખરું જ. મારે જયારે પણ જોઈએ ત્યારે હું મારા બ્લોગ પર જઈ ને વાંચી શકું અને જો બીજા કોઈ ને ઉપયોગી થાય તો એના થી રૂડું બીજું શું ? આમ કરતા કરતા હું પણ થોડું ઘણું લખતો થઇ ગયો. આજની તારીખ સુધી માં ટોટલ ૧૯ કૃતિ છે મારી આ જ બ્લોગ પર.

પણ પછી થયું એવું કે ધીમે ધીમે બ્લોગ નો રાફડો ફાટ્યો અને વિનયભાઈ જેમ કહે છે એમ કોપી-પેસ્ટ (વિનયભાઈ ની આ બે લેટેસ્ટ પોસ્ટ વાંચી જોજો, 1st, 2nd) ચાલુ થયું. હું એજ કરતો હતો પણ મારો આમ કરવાનો ઈરાદો મેં ઉપર જ સ્પષ્ટ કર્યો. પણ હવે સમય બદલાઈ ગયો છે . એક શોધતા ૧૭ નહિ ૧૭૦ મળશે કવિતા, તો હવે શું જરૂર છે આમ કરવાની ? કવિતા જોઇશે ત્યારે શોધી દેવાશે ગુગલ દેવતા ની મદદ થી. ઉપરાંત આપણી બધાની પાસે, શિરમોર એવી, Readgujarati, Tahuko અને Layastaro છે જ ને. તો આજ થી એ બધું બંધ. આ બ્લોગ પર ની બધી પોસ્ટ (જે મારી નથી) એ delete કરી નાખી છે. હવે ફક્ત મારી રચના ઓ જ છે.

જયગુજરાત.

- સુગંધ.