April 18, 2016

પ્રેમ મૂંઝવે

હું ને મારી સંગિની અત્યારે બે અલગ-અલગ ખંડો માં. ભલે થોડા દિવસ માટે હોય, પણ જો આવા સમયે રમેશ પારેખ ની "વરસાદ ભીંજવે" યાદ આવે તો ભાઈ ભાઈ, હાલત ખરાબ થઇ જાય. આવી હાલત માં, "વરસાદ ભીંજવે" ની એક પંક્તિ પરથી મને સ્ફૂરેલી પંક્તિ,

જોજનો દુર આપણે અને યાદ મૂંઝવે 
મને મૂંઝવે તું તને પ્રેમ મૂંઝવે

સુગંધ. (૧૭ એપ્રિલ, ૨૦૧૬)

January 23, 2016

મીઠડી

જેના માટે વર્ષો સુધી રાહ જોઈ હોય એ મળે તો પછી થોડીક પળો પણ દાયકા જેટલી લાંબી લાગે. પણ ધીરજ ના ફળ મીઠા અને તું મારી 'મીઠડી'.

સુવા નથી દેતી તારી વાતો મને,
ઊંઘ માં પણ સતાવે તારી યાદો હવે,

વર્ષો સુધી જોઈ છે ચાતક નજરે રાહ તારી,
વિચારું કે ક્યારે આવે મારી પાસે તું હવે?

'મીઠડી' જરૂર આવીશ મારી પાસે તું,
આજે નહિ તો પછી આવતીકાલે હવે.

- સુગંધ. (૨૩ જાન્યુઆરી, ૨૦૧૬)

January 17, 2016

પ્રોમિશ?

મારું "પ્રોમિશ"તો મેં આપી દીધું. હવે સવાલ. (કે સવાલો?) તું જવાબ તો આપીશને?

અજાણ્યા છીએ અત્યારે તો,
પરિચિત મને તારાથી બનાવીશને?

દુનિયા અનર્થ-ઘટન ભલે કરે,
પણ તું થોડામાં ઘણું સમજીશને?

મારે ઉડવું છે અનંત આકાશમાં,
આ સહેલગાહમાં સાથ આપીશને?

તું રૂઠીશતો, લાડ તને લડાવીશ,
પછી તો "જીનું" તું માની જઈશને?

અને જો હું રૂઠું કોઈ વાતથી,
વ્હાલથી મને તું મનાવીશને?

જીવનની સફર "આપણી" છે આ,
સાથે આવીને આનંદ એમાં ઉમેરીશને?

- સુગંધ. (૧૦ જાન્યુઆરી , ૨૦૧૬)

December 28, 2015

પાણી

ચેન્નાઈમાં નવેમ્બર/ડિસેમ્બર, ૨૦૧૫ મહિનામાં આવેલા પુર માં અસર પામેલા લોકોમાં હું પણ એક હતો. અમુક રિપોર્ટ્સ એમ પણ કહે છે કે ચેન્નાઈમાં આ છેલ્લા સો વરસ નો સૌથી વધારે વરસાદ છે. ખેર, રેકોર્ડ્સ જે પણ હોય, જાનમાલ ની આવી ખુવારી અને હાલાકી તો મેં મારા જન્મારા માં પહેલી વાર નજરે જોઈ અને આશા રાખું કે છેલ્લી વાર હોય. અંતે તો હું હેમખેમ નીકળી ગયો પણ અમુક આ સમયગાળા દરમ્યાન થોડા શબ્દો સ્ફુરેલા મનમાં તો થયું કે અહિ રજુ કરી દઉં.

પૂછ્યું કોઈકે, ગઈ ભેંસ પાણીમાં?
અરે ના, આ તો આખું ભાગોળ પાણીમાં,

કરતાં દેડકાં છબછબિયાં ઉંબરે ગઈકાલે,
અરે આવી માછલી આજે તો ઘરની ધાણીમાં,

પાણી વગર તરસ્યા રહી ગયા ગઈકાલે,
અરે આવી આફત આજે તો વરસાદની હેલીમાં,

ફદીયાં ના આવ્યાં કોઈ કામમાં,
અરે શું રાખ્યું છે આ બધી કમાણીમાં?

ક્યાંથી વિચારું બિચારી ભેંસ માટે,
કે જયારે આખું ચેન્નાઈ છે પાણીમાં !

- સુગંધ. (૨૫ ડિસેમ્બર, ૨૦૧૫)

August 24, 2014

મન ની મોકળાશ

શબ્દો છુટે,
હૃદય આનંદીત,
શબ્દો ખૂટે.

- સુગંધ. (૨૪ ઓગસ્ટ, ૨૦૧૪)

માણસાઈ

શું હું એટલો 
બીઝી કે માણસાઈ 
ભુલી ગયો છું ?

- સુગંધ. (૨૪ ઓગસ્ટ, ૨૦૧૪)

July 21, 2013

દિશાવિહિન દિશા

જો તમે જીવતા હશો તો, તમારા સપના હશે,
(જીવન ને વધારે રસભર્યું બનાવવા સપના જોવા છે જરૂરી)

સપના હશે તો એ તમારા જીવન નું ધ્યેય હશે,
(સપના ને પામવા બધી જ જરૂરી મહેનત કરી છૂટવી)

ધ્યેય હશે તો તેને પામવાની મહત્વાકાંક્ષા હશે,
(ધ્યેય ને પામવા માટે ની મક્કમતા છે જરૂરી)

મહત્વાકાંક્ષા હશે તો તેના માટે ઉત્કટ ભાવના હશે,
(આકાક્ષાંઓ માટે જુસ્સો છે જરૂરી)

અને આ ભાવના ઓ હશે તો તમે જીવતા હશો જ.
(ભાવના, લાગણી ઓ રાખે છે ધબકતા તમને)

આ કંઈ કવિતા કે કોઈ જ પ્રકાર ની પધ્ય રચના નથી, બસ મન માં ઉમટેલા વિચારો છે


- સુગંધ. (૨ જુલાઈ, ૨૦૧૩)

June 22, 2013

હાઇકુ

બસ એમ જ,
હવે તો અલવિદા,
ખુશ રહેજે.

દરેક શરૂઆત નો અંત હોય છે અને પછી નવી શરૂઆત હોય છે. જુનું છુટતા, વિયોગ નું દર્દ જરૂ થાય છે પણ નવા ભવિષ્ય ની ઇન્તેજારી પણ હોય છે.

- સુગંધ. (૨ જુન, ૨૦૧)

February 24, 2013

દોડતો રે

આજકાલ દોડવા નું ચાલુ કર્યું છે. દોડતા દોડતા હજારો વિચારો આવે છે અને એમાં જોરદાર માનસિક આરામ મળી જાય છે. અને વળી એમાં ઘણા બધા "આંખો ઉઘાડનારા" સત્યો પણ સમજાઈ જાય છે.

નાના નાના ભાંખોડિયા ભરતો રે,
પડતો, આખડતો અને ઉભો થતો રે,

સામા પવને આગળ વધતો રે,
જરૂર પડે તો ધીરો પડતો રે,

મલકાતો મલકાતો વધતો રે,
અજાણ્યા આગંતુકો ને નમતો રે,

આગળ આવતા જોખમો માટે,
કમર કસી ને તૈયારી કરતો રે,

પાછળ પોતાની એક એવી,
મજબુત યાદો છોડતો રે,

કોઈ ની રાહ જોયા વગર આપબળે,
'સુગંધ', તું તારે દોડતો રે, દોડતો રે,

- સુગંધ. (૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩)

નોંધ : છેલ્લી લીટી માં અલ્પવિરામ જાણી જોઇને મુકેલું છે, અલબત્ત મૂળ વાત ના અનુસંધાન માં જ તો.

August 25, 2012

એના ઘુંટણનું કાવ્ય

માણસ આખી જીંદગી માં ઘણી બધી અવસ્થાઓ માંથી પસાર થાય છે. દરેક અવસ્થા માં તે કંઈક પામે અને કંઈક ગુમાવે. પણ દરેક અવસ્થા માં શીખે જરૂર. નીચે પાંચ ભાગ માં જુદી જુદી અવસ્થા સાથે જીવન ની વિવિધ કળા ઓ ને ઘુંટણ ના રૂપક સાથે જોડી ને લખેલી છે.


એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
માં-બાપ ના આંખ માંથી હર્ષાશ્રુ વહ્યા,
અમારો દીકરો ભાંખોડિયા ભરવા લાગ્યો,
અને એ હસતો રહ્યો, જીંદગી માં મોટો થતો રહ્યો,

એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
એની આંખ માંથી આંશુ વહ્યા,
હું નિષ્ફળ થયો પરીક્ષા માં,
છતાં પણ એ હસતો રહ્યો, જીંદગી થી શીખતો રહ્યો,

એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
મિત્રો ની આખો આનંદ થી ભરાઈ ગઈ,
અમારો દોસ્ત આ સિદ્ધિ ને પામ્યો,
અને એ હસતો રહ્યો, જીંદગી જીવતો રહ્યો,

એ જયારે ઘુંટણીએ પડ્યો ત્યારે,
પ્રિયતમાના આંખ માંથી હર્ષાશ્રુ વહ્યા,
મારો પ્રિયતમ હંમેશને માટે મારો બન્યો,
એ બન્ને સાથે હસતા રહ્યા, જીંદગી નું ગીત ગાતા રહ્યા,

પછી કાળક્રમે એ ઘુંટણ નબળા પડ્યા,
ત્યારે દુનિયા આખી એની સામે ઘુંટ
ણે પડેલી હતી,
પણ એ નતમસ્તક થઈને ભગવાન ની સામે ઉભો રહ્યો,
અને એ હસતો રહ્યો, જીંદગી ની સામે જોઈ ને મરકતો રહ્યો.

- સુગંધ. (૨૫ ઓગસ્ટ, ૨૦૧૨)