February 19, 2009

કોને મળું ?

ભીડના દરબારમાં કોને મળું ?
રેતની વણઝારમાં કોને મળું ?

લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?

મૌનના હોઠો તણી ઝુંબિશ લઈ,
શબ્દની જંજાળમાં કોને મળું ?

અજનબી થઈને મળે મિત્રો બધા,
ખોખરા સંસારમાં કોને મળું ?

સાથમાં વર્ષો રહ્યાં પણ ના મળ્યાં,
હું હવે પળવારમાં કોને મળું ?

કોઈ મળતું પણ નથી ઘરમાં હવે,
તો પછી પરસાળમાં કોને મળું ?


રચયિતાઃ- મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

0 comments: